ઢોડિયા જ્ઞાતિમાં ઉજવણાંની વિધિ કરવાનો રિવાજ અસ્સલથી અમલમાં છે. કહેવાય છે કે, નાયકાઓની રીત-રિવાજ ઉપર થી આ વિધિનો પ્રારંભ થયો છે. દહાડા-પાણીની ક્રિયા પછી દર બે વર્ષે ઉજવણાં કરવામાં આવે છે. કૂળ અનુસાર જેટલાંના મૃત્યુ થયા હોય તે અનુસાર મહા માસમાં જયાં નદી કિનારે જાત્રા ભરાતી હોય ત્યાં અથવા જયાં દેવનુ઼ સ્થાનક હોય તેવી પવિત્ર જગ્યાએ ચોકકસ દિવસે, ચોકકસ સ્થળે ઉજવણાંની વિધિ આરંભાય છે. ખાસ કરીને મહાશીવરાત્રિના બે દિવસ પહેલાં ઉજવણાંની વિધિ થાય છે.  આ બે વર્ષમાં જેના ધરે અવસાન થયું હોય તે કુટુંબીજનો સાધન-સામગ્રી સાથે બળદ-ગાડાં લઇ નિયત સ્થળે પહોંચી જાય છે. કુટુંબ પ્રમાણે જગરી બાળી, ફંડફાળો ભેગો કરાય છે. ત્યાં એક વાંસમાંથી ફોડીને નારા કાઢી, તેનો ટોપલો બનાવાય છે, અને નદી કિનારે સવારની પરોઢમાં રેતીમાં ચાદર પાથરી, મરેલાના નામની જેટલા માણસો મૃત્યુ પામ્યા હોય તેટલી ચપટી મૂકવામાં આવે છે. જે ધરમાં જેટલા મરણ થયા હોય તે દરેકની બાર બાર કુંડલી કુંભારને ત્યાંથી લાવી ઉતારા પાસે ઢોળી દેવામાં આવે છે. બે દિવસ ચાલતી વિધિ દરમિયાન જૂની વાર્તાઓ થતી હોય  છે. લગભગ બે-બે કલાકે રડવાનો રિવાજ છે. સ્ત્રીઓ રાત્રિના જે પરજણનો મુખી હોય તે કહે તે અનુસાર મૃતાત્માની યાદમાં રડે છે. દારૂ-તાડી તો ખરી !  હવે આ દુષણ ઓછું થયું છે.