મૃદંગ વર્ગનાં વાઘોમાં તૂર-થાળી મહત્વનું વાઘ છે. એ હાથની થાપીઓથી વગાડાય છે આ વાઘનાં બે મુખ નાના-મોટા હોય છે. તેનો કાંઠો માટી તેમજ લાકડામાંથી બનાવવામાં આવે છે. બન્ને મુખ ઉપર સારી પેઠે કેળવેલું ચામડું લગાડેલું હોય છે. તે વગાડતી વખતે ચામડા ઉપર ચોખા-રાખોડી મેળવી બનાવેલા મીણ મધ્ય ભાગમાં લગાડવામાં આવે છે તેનાથી આ વાઘનો અવાજ ખૂબ જ સરસ નીકળે છે. તૂર ની સાથે કાંસાની થાળી વગાડાય છે.
સૂરત જિલ્લામાં ઢોડિયા, નાયક, આદિવાસીઓનું મુખ્ય વાઘ છે.લગ્ન પ્રસંગે કે મરણ પ્રસંગ હોય ત્યારે, તેમજ નવા ધરની પૂજા થાય, કનસરી દેવીની પુજા વખતે તૂર વગાડવામાં આવે છે. આ ઉપરાંત તહેવારોમાં ખાસ કરીને હોળી ઉપર આ વાઘની ઉપયોગ આદિવાસી લોકો કરે છે. તૂર-થાળીમાં જુદા જુદા ચાળાના તાલે જુદા જુદા નૃત્યો કરવામાં આવે છે. તૂર બિહાર-ઓરિસ્સા અને બંગાળમાં જુદા જુદા આકારભેદ સાથે જોવા મળે છે.