ઢોડિયા જ્ઞાતિમાં મરણનો પ્રસંગે બને ત્યારે જ ધરમાં પ્રસંગ બને તે ધરના પુરુષો માથેથી પાધડી-ટોપી ઉતારી લે છે અને ગામમાં સગા સબંધીઓને ખબર આપે છે, મૃત વ્યકિતને સાદડી ઉપર સુવડાવાય છે. સગા સબંધીઓ આવી જાય પછી, શબને દૂધ-પાણીની છેલ્લા સ્નાન કરાવી, નવા વસ્ત્રો પહેરાવવામાં આવે છે. શબને રસોડામાં લઇ જઇ ત્યાં ભોજનરૂપે બનાવેલા ચોખા અને પામચા કેરીનું અથાણું ઠાઠડી પર માથા પાસે મૂકાઇ છે. અને દેવતાના કોલસા માટલીમાં ભરે છે શબની આંખો અબીલ-ગુલાલ-મેષ થી આંજી દર્શનાર્થે ધરના આંગણામાં લાવે છે. સ્ત્રીનુ મૃત્યુ થયું હોય તો લાલ કપડાનો ટૂકડો અને પુરુષનું મૃત્યુ થયુ હોય તો સફેદ કપડાનો ટૂકડો (કફન) ઓઢાડાય છે. સૌ સગા-વ્હાલાં પગે લાગી, ત્યાર બાદ કુંવારી છોકરીઓને શબને ચોખા ચઢાવી, ચાલ્લો કરે છે, પતિનું મૃત્યુ થયું હોય તો પત્નિને તેના માથા પાસે બેસાડીને વિધિ થાય છે.
પતિનું મૃત્યુ થયુ હોય તો પત્નિના ધરેણા, બંગડી, ઉતારી લેવાય છે. ખાસ કરીને રૂઢિગત રિવાજ કે અંધશ્રધ્ધા કહેવાય પણ સ્ત્રીની બ્લાઉઝ પણ કાઢી તેને છાલ ઓઢાડી દેવાનો રિવાજ વિચિત્ર કહેવાય. ઠાઠડીને ચાર નાળિયેર બાંધી પ્રથમ ભાઇ કે પિતા, પતિ-નજીકના સબંધીઓ ખાંધ આપે છે. સાથે ડાંગર (ભાત) રસ્તે નાખવામાં આવે છે. શબને વિસામા સુધી લઇ જતી વખતે માથું પાછળ રખાય છે. વિસામા પાસે ઠાઠડીને ફેરવી આગળ માથું રાખે છે. વિસામાં પાસે મૃત વ્યકિતનો ખાટલો, પથારી, કપડાં મૂકી, એક પત્થર વડે શબને ઓવારી આગળ લઇ જાય છે. સ્મશાનભૂમિએ પ્રથમ ગાયના છાણનુ઼ લીંપણ કરી, ભૂમિને પવિત્ર કરી, પછી લાકડા ગોઠવવામાં આવે છે. શબને લાકડાની પથારી સુવડાવી, ધરને લઇ જવામાં આવેલા ભાત -પામચા અથાણાં થી સૌ શબને જમાડે છે ત્યારબાદ બે ખાંધીયાઓ પાણીમાં ડૂબકી મારી માટલી ભરી,તેમાં નાનું કાણું પાડી, શબની ફરતે ટચલી આંગળીમાં આંગળી નાખી, કુહાડી હાથામાં ઉંધી બેસાડી, ઊંધી દિશામાં, જાંબુડીના ડાખળાં સાથે, ચિતા ગોઠવી હોય તેની ફરતે ચાર ખૂણે એક એક કુહાડી વડે લાકડાને ધા કરી, ચાર ફેરા ફરી, શબના માથા પાસે ઉભા રહી, ઉત્તર થી દક્ષિણ દિશામાં શબની ઉપર થી માટલી ફેંકવામાં આવે છે. ત્યારબાદ અગ્નિના બનાવેલા કે કાકડા લઇ બે જણા છૈયાની ફરતે ચાર ફેરા ફરી,શબને આગ મૂકવામાં આવે છે.
સ્મશાનભૂમિ પાસે સ્મશાનયાત્રામાં જોડાયેલા સૌ પાસે ફાળો ઉધરાવવાની પ્રથા છે. ત્યાં નજીકમાં ટૂવાલ પાથરી, ઇચ્છા અનુસાર લોકફાળો ઉધરાવાય છે આ ફાળાની રકમમાંથી દારૂ-ભુસું લાવી સ્મશાનભૂમિએ ખાણી-પીણી કરે છે. વધેલી રકમ જેના ધરે પ્રસંગ બન્યો હોય તે ધરવાળાને અર્પી દેવાય છે.
અંતમાં જાબુંડીના દાતણ કરી, સ્નાનબાદ ધરે આવતી વખતે સ્મશાનભૂમિ થી થોડે દૂર એક વ્યકિતને કૂહાડીને દોરા વડે પકડી રાખી, સ્મશાને આવેલા દરેક વ્યકિતઓ આંગળી વડે કુહાડીને વગાડી, સબંધ પૂરો થાય છે નું ઉચ્ચારણ કરે છે સ્મશાનમાં જોડાયેલા તમામ ધરે પરત આવે છે ત્યારે દૂધ-પાણીથી સૌને પવિત્ર કરી ધરમાં પ્રવેશ મળે છે. ત્યાં સુધી સબંધિતોના ધરને લીંપીને પવિત્ર બનાવાય છે અને ધરે આવીને મૃતાત્માની યાદમાં ચા-દારૂની શાક પાડવામાં આવે છે. સાતમાં દિવસે સુતકવિધિ થાય છે. તે દિવસે ધરના પુરુષવર્ગ કુટુંબોજનો માથાના વાળ કાઢી ટકો કરે છે. બારમાવિધિ સુધી રોજના વિસામા અને ધરના છાપરે મૃતાત્મા માટે વાંસો મૂકાઇ છે અને ૧૨ મે દિવસે અંતિમવિધિ આટોપાય છે.
આ દિવસે બ્રાહ્મણ ઘ્વારા પૂજાવિધિ કરાવી,ગાય માતાના પૂજન ઘ્વારા તુલસીના છોડ અને ગાયના વાછરડાની પૂજાવિધિ ઘ્વારા પોશપાણી કરવાનો રિવાજ છે. ઢોડિયા જ્ઞાતિમાં પાધડી પહેરવાનો રિવાજ અમલમાં છે. મૃતાત્માના કૂળ અનુસાર સગાઓ ભેગા થાય છે, એક ધોતિયાની પાધડી બનાવી, મૃતાત્માના વારસને ઊભો રાખી, સગવાડિયા ભાઇઓ રામ રામ, આવળી-ભાવળી રામ રામ, નાના-મોટા બધાં રામ રામ, બોલી પાધડી માથે ચઢે છે. તે દિવસથી ટોપી પહેરવાનો રિવાજ છે. જુના જમાનામાં “કાંગરીવાળો’ કથા કહેવાનો રિવાજ હતો, હવે કાંગરીવાળાના અભાવે સંસ્કૃતિ લુપ્ત બની છે.
વિશ્વની દરેક પ્રજાને પોતપોતાની આગવી સાંસ્કૃતિક પરંપરા હોય છે. આપણા પ્રદેશમાં પહાડો, કંદરાઓ અને જંગલોની વચ્ચે વસેલી આપણી આદિવાસી પ્રજા એટલે સૈકાઓથી પોતાના આગવા કલાવૈભવને, પોતાનાં જીવન ધબકાર માફક સાચવીને, નિરંતર તેમાં નાચતી, ગાતી, અને પ્રકૃતિ સાથે સમરસ બનીને જીવતી નિદોર્ષ, ભલી-ભોળી અને ખમીરવંતી પ્રજા. દાતા થી વાપી સુધીના સમગ્ર વિસ્તારમાં પ્રકૃતિની વચ્ચે વસેલા આદિવાસીઓનાં નૃત્યો-વાઘોમાં ભરપૂર વૈવિધ્ય રહેલું છે. વિવિધ આદિવાસી જાતિઓમાં વિવિધ પ્રકારનાં વાંજિત્રો જોવા મળે છે. આ લોકવાઘોનો ઉપયોગ નૃત્ય, સામૂહિક ઉત્સવો, મેળા, લગ્ન કે દેવપૂજા વખતે થાય છે. ઢોલ જેવાં કેટલાંય વાઘોનો ઉપયોગ નૃત્ય માટે દૂરના ડુંગરાળ વિસ્તારોમાં સંદેશા મોકલવા માટે પણ કરવામાં આવે છે. આ દેવવાઘો ગણાતા હોવાથી એની પવિત્રતા જાળવવાનો પણ આગ્રહ રાખવામાં આવે છે. આ વાંજિત્રો સાથે આદિવાસીઓની ચિત્ર-વિચિત્ર માન્યતાઓ અને શ્રઘ્ધાઓનો તંતુ જોડાયેલો છે. દક્ષિણ ગુજરાતમાં માદળ, તૂર, પાવરી, ડોબરું, તાડપું, કાહની, કાહલિયા વગેરે વાઘોનો ઉપયોગ વધારે પ્રમાણમાં જોવા મળે છે.